welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Friday 25 May 2012

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ-આરએસએસના પ્રચારક એવા નરેન્દ્ર મોદી અને સંજય જોષી

http://www.divyabhaskar.co.in/article/MGUJ-sanjay-joshi-pay-cost-to-support-keshubhai-3316168.html


રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ-આરએસએસના પ્રચારક એવા નરેન્દ્ર મોદી અને સંજય જોષી

Source: Bhaskar News, Gandhinagar   |   Last Updated 2:39 AM [IST](25/05/2012)
 રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ-આરએસએસના પ્રચારક એવા નરેન્દ્ર મોદી અને સંજય જોષી વચ્ચે ૧૯૯૦થી ૧૯૯પ દરમિયાન ખૂબ જ નિકટના સંબંધ હતા. ૧૯૯પમાં ગુજરાતમાં સૌ પ્રથમવાર ભાજપને સત્તા સ્થાને બેસાડવામાં આ બંને આગેવાનોની ભૂમિકા અત્યંત મહત્ત્વની રહી હતી. આ બંનેની તનતોડ મહેનતને કારણે ગુજરાતમાં ભાજપે એકલા હાથે સત્તા કબજે કરી એટલું જ નહીં, કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા. ૧૯૯પના અંતમાં ભાજપના જ કદાવર ક્ષત્રિય નેતા શંકરસિંહ વાઘેલાએ કેશુભાઈની સરકાર સામે મોરચો માંડયો અને ભાજપમાં એવું ઘમાસાણ મચ્યું કે કેશુભાઈને મુખ્યપ્રધાનપદ છોડવું પડયું અને તેમના સ્થાને મુખ્યપ્રધાનપદે સુરેશ મહેતાને ગાદી સોંપવામાં આવી. સાથોસાથ નરેન્દ્ર મોદીને ગુજરાત છોડીને દિલ્હી મોકલવામાં આવ્યા.

અલબત્ત, નરેન્દ્ર મોદીને દિલ્હી મોકલવાનો નિર્ણય એક સમજૂતીના ભાગરૂપે લેવામાં આવ્યો હતો અને બસ ત્યારથી મોદી-જોષીના રસ્તા ફંટાઈ ગયા. હાઈકમાન્ડને જ્યારે મોદીને ગુજરાત છોડવાની ફરજ પાડી ત્યારે મોદી સમસમીને બેસી રહ્યા હતા જ્યારે બીજી તરફ કેશુભાઈ અને જોષીની જોડી જામી ગઈ.

પરિસ્થિતિ પલટાઈ

૨૦૦૧માં તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને ભાજપ હાઈકમાન્ડે દિલ્હી તેડાવ્યા અને પાછલા બારણે નરેન્દ્ર મોદીને ગુજરાત આવવાનો અવસર મળી ગયો. ભૂકંપમાં પુનર્વસનની ધીમી કામગીરી અને વિધાનસભાની સાબરમતી બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના પરાજયનું બહાનું આગળ ધરીને કેશુભાઈ પટેલને ફરી એકવાર ગાદી છોડવી પડી અને તેમના સ્થાને મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી આરૂઢ થયા. ગુજરાતની ગાદી સંભાળ્યા પછી મોદીએ પક્ષ, સરકાર અને સંગઠન પર પોતાની પકડ મજબૂત બનાવી જેની સીધી અસર કેશુભાઈ અને તેમના સમર્થકો પર પડી.

સંજય જોષીને ભાજપમાં કેમ દૂર થવું પડયું

મુંબઈમાં ૨૦૦પમાં યોજાયેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારી દરમિયાન સંજય જોષીની એક મહિ‌લા સાથેની સંદિગ્ધ સેક્સ સીડી જાહેર થતાં ભાજપમાં ભૂકંપ આવ્યો અને આ સીડીકાંડને કારણે જોષીને ભાજપમાંથી પડતા મૂકવામાં આવ્યા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ એ સમયે જોષીને જાહેરમાં સાથ આપવાનું ટાળ્યું હતું. જો કે, આ સીડીકાંડની તપાસમાં જોષીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા પરંતુ જોષીને પક્ષમાં પરત લાવવામાં ઉત્તર પ્રદેશની ચૂંટણી કારણભૂત બની.

રાષ્ટ્રીય પ્રમુખ નીતિન ગડકરીએ જોષીને જેવી જવાબાદારી સોંપી કે તરત જ ભાજપમાં સત્તા માટેની ખેંચતાણ શરૂ થઈ ગઈ. મોદીએ જોષીને સોંપવામાં આવેલી જવાબદારીનો સાંકેતિક વિરોધ કર્યો, એટલું જ નહીં, ગડકરી સહિ‌તના નેતાઓ સમક્ષ નારાજગી પણ વ્યક્ત કરી કે એક મ્યાનમાં બે તલવાર રહી શકે નહીં. વિવાદ વધુ વકરે નહીં તે માટે ભાજપ હાઈકમાન્ડે મોદીની નારાજગીને અવગણી પરંતુ મોદી પોતાની વાતને વળગી રહ્યા અને સ્પષ્ટ નારાજગી વ્યક્ત કરવા દિલ્હીમાં યોજાયેલી કારોબારીમાં ગેરહાજર રહ્યા અને આખરે સંજય જોષી ફરી પરાસ્ત થયા.

જોશી વિરુદ્ધ મોદી

જોષી ૧૯૮૮માં મહારાષ્ટ્રથી અમદાવાદ આવ્યા. ૧૯૯૦માં મોદી મહા સચિવ હતા અને જોષી સચિવ. બંનેએ પાંચ વર્ષ સાથે કામ કર્યું.

૧૯૯પમાં વાઘેલાએ બળવો કર્યો. મોદીને ગુજરાત છોડવું પડયું. જોષી મહા સચિવ બન્યા.

૧૯૯૮માં મોદી ગુજરાત આવવા માગતા હતા. જોષી વિરોધમાં હતા. બંને વચ્ચે વિવાદ છેડાયો.

૨૦૦પમાં વિવાદ વધુ ઉગ્ર બન્યો. સંજય જોષીની વિવાદી સીડી બહાર આવી. તેમને રાજીનામુ આપવું પડયું.

સંજય જોષીની વિવાદાસ્પદ સીડી પાછળ નરેન્દ્ર મોદી હોવાની શંકા વ્યક્ત થઈ.

૨૦૧૨માં છ વર્ષ બાદ જોષીને ઉત્તર પ્રદેશની ચૂંટણીના પ્રભારી બનાવાયા. મોદી ભયંકર નારાજ થયા. ઉત્તર પ્રદેશમાં પાર્ટીનો પ્રચાર કર્યો નહીં.

3 comments:

 1. મોદીએ એક કાંકરે અનેક પક્ષી ઉડાડ્યાં, ભાજપમાં સાબિત થયા 'દબંગ’

  Source: Bhaskar News, Gandhinagar | Last Updated 7:45 AM [IST](25/05/2012)
  કેશુભાઈની પ્રતિક્રિયાઃ રાષ્ટ્રીય ભાજપ પણ નરેન્દ્ર મોદીથી ભયભીત

  સંજય જોશીનું રાજીનામું, બેઠકમાં ભાગ લેવા CM પહોંચ્યા મુંબઇ

  મોદી છવાયેલા રહ્યાં ભાજપની પત્રકાર પરિષદમાં

  મોદી એક 'સ્ટ્રેટ ફોરવર્ડ’ વ્યક્તિ અને 'ડાયનામિક’યેદ્દીયુરપ્પા

  'દેશની જનતાને CM નરેન્દ્ર મોદી પર ભરોસો'

  એક તરફ મુંબઈમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારીની તૈયારી ચાલી રહી હતી, બીજી તરફ મોદી પોતાની બાજી ગોઠવી રહ્યા હતા. તેમણે ઉદયપુર જવાની જાહેરાત કરીને મોવડીમંડળને ચીમકી આપી હતી, જે ગડકરી માટે ધમકી હતી. મોદીનિષ્ઠો મોદી રાષ્ટ્રીય કારોબારીમાં હાજરી ના આપે તો તેમના એક ઈશારે રાજીનામા આપી દેવા માટે તૈયાર હતા. મોદીનો પત્ર ગડકરીને મળ્યો તે સાથે જ ભાજપમાં ધરતીકંપ સર્જા‍યો હતો પરંતુ મોદીનું ગણિત પાકું હતું અને પોતાની તાકાતનો દાખલો બેસાડવામાં એ સફળ રહ્યા.

  રૂપાલા મોદીનો રાજીનામાની ધમકીભર્યો પત્ર લઈ નીતિન ગડકરીને મળવા ગયા

  મોદી હાજર નહીં રહે તો ગુજરાતમાંથી કોઈ હાજર નહીં રહે : રાજીનામા પણ પડશે

  ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને સંજય જોશી વચ્ચે ચાલી રહેલા શીતયુદ્ધમાં અચાનક ગરમાળો કેવી રીતે આવ્યો અને છેલ્લાં ૨૪ કલાકમાં શું થયુ તેની સીલસીલાબદ્ધ વિગતો જાણવા મળી છે. ભાજપ હાઇકમાન્ડને નરેન્દ્ર મોદીનો પત્ર મોકલી દેવાયો હતો જોકે, સૂત્રોના દાવા પ્રમાણે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરષોત્તમ રૂપાલા આગલા જ આ પત્ર લઇને મુંબઇ ગયા હતા. જેમાં મોદીએ લખ્યું હતું કે જો સંજય જોશીને કાઢશો નહીં તો હું મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દઇશ અને ગુજરાત ભાજપના કોઇપણ સભ્ય હાજરી નહીં આપે.

  જાણવા મળ્યા મુજબ સંજય જોશીને ભાજપમાં પાછા લેવાયા ત્યારથી જ નરેન્દ્ર મોદી ભાજપ હાઇકમાન્ડથી નારાજ હતા અને તેના કારણે જ ઉત્તર પ્રદેશ ચુંટણીમાં તેઓ ગયા ન હતા. પરંતુ મુંબઇ કારોબારીની જાહેરાત થઇ ત્યારથી જ ગુજરાત ભાજપ જ નહીં પરંતુ મોદી એકમના તમામ લોકો આ મુદ્દાને કેવી રીતે ટેકલ કરવો તેની ગડમથલમાં હતા.

  કારોબારીના આગલા દિવસે મોદીએ ગડકરીને સંબોધીને પત્ર લખ્યો હતો જેમાં તેમણે સ્પષ્ટ લખ્યું હતું કે સંજય જોશી જો મિટિંગમાં હશે તો હું રાજીનામુ આપી દઇશ. આ પત્ર લઇને તા. ૨૩મીની રાત્રે જ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરષોત્તમ રૂપાલા મુંબઇ પહોંચી ગયા હતા અને મોદીનો પત્ર ગડકરીના હાથમાં આપ્યો હતો. એટલુ જ નહીં રૂપાલાએ ગડકરીને એમ પણ કહ્યું હતું કે તમે જો નિર્ણય લેશો નહીં તો ગુજરાતના કારોબારીના તમામ સભ્યો કારોબારીમાંથી રાજીનામા ધરી દેશે અને ભાજપની કોઇ જ અગત્યની મિટિંગમાં હાજર રહેશે નહીં. આ પછી તે ત્યાંથી નીકળી ગયા હતા. આ મુદ્દે ભાજપ કારોબારીની એજન્ડા મિટિંગમાં વિસ્તૃત ચર્ચા કરીને જોશીના રાજીનામુ લેવાનો નિર્ણય લીધો હતો.

  અમે વિરોધ જરૂર નોંધાવ્યો હતો : પરષોત્તમ રૂપાલા

  તમે નરેન્દ્ર મોદીનો પત્ર લઇને આગલા દિવસે મુંબઇ ગયા હતા કે નહીં તેવા સવાલના જવાબમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરષોત્તમ રૂપાલાએ એવી સ્પષ્તા કરી છે કે અમારા એકમ દ્વારા વિરોધ જરૂર નોંધાવ્યો તે વાત સાચી છે પરંતુ આગલા દિવસે હું ગયો ન હતો. હું આજે નરેન્દ્ર મોદી, આર.સી. ફળદુ સાથે બપોરે ૩ વાગે મુંબઇ ગયો હતો. તેમણે એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે અમે કારોબારીના ગુજરાતના છએ છ સભ્યો સંજય જોશીનો વિરોધ કરી રહ્યા છે તે વાત સાચી છે. જ્યારે આ મુદ્દે સીએમ હાઉસનું શું કહેવું છે તે જાણવા ઘણાં પ્રયત્નો કર્યા પરંતુ સંપર્ક થઇ શક્યો ન હતો.

  અડવાણી અને મોદી સંજય જોષી મુદ્દે સાથે

  ભાજપના રાષ્ટ્રીય અગ્રણી અડવાણી તેમના રાજકીય ચેલા મોદીથી નારાજ જરૂર છે પરંતુ તેના કરતાં તેઓ સંજય જોશીને વધુ નાપસંદ કરે છે. કારોબારીમાંથી જોશીના રાજીનામામાં પણ અડવાણીનો અભિપ્રાય મોદીની જીદને પૂરી કરવા માટેનું મજબૂત કારણ બન્યું છે.

  એક કાંકરે અનેક પક્ષી ઉડાડયા

  સંજય જોષીને રાજીનામું આપવાની ફરજ પાડીને મોદીએ રાષ્ટ્રીય ભાજપમાંના તેમના વિરોધીઓને પરાસ્ત કર્યા છે અને ગુજરાત ભાજપમાંના વિરોધીઓને સાનમાં સમજી જવાનો સંદેશો આપ્યો છે. આમ મોદીએ એક કાંકરે પોતાના અનેક વિરોધીઓને ઉડાડી દીધા છે.

  કાર્યકરોમાં મિશ્ર પ્રત્યાઘાત

  રાષ્ટ્રીય કારોબારી શરૂ થાય તે પહેલા મોદીની હઠના પગલે સંજય જોષીની હકાલ પટ્ટીને મોદી જૂથ પોતાનો વિજય માની રહ્યું છે, તો બીજી તરફ સંઘ અને ભાજપના જૂના જોગીઓ આને ઉઘાડેછોગ શિસ્તભંગ માને છે અને ભાજપના ભાવિ માટે આ સારો સંકેત નથી તેમ ગણાવી રહ્યા છે. જો કે જાહેરમાં વિરોધ કરવા કોઈ તૈયાર નથી.

  ReplyDelete
 2. મોદી ઈફેક્ટ:સંજય જોશીનું રાજીનામું, બેઠકમાં ભાગ લેવા CM પહોંચ્યા મુંબઇ
  Source: Agency, Mumbai | Last Updated 11:46 PM [IST](24/05/2012)

  કેશુભાઈ પટેલ બેઠા પાણીમાં? મુંબઈ બેઠકમાં નહીં લે ભાગ

  ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં મોદી હાજર રહેશે?

  મોદી એક 'સ્ટ્રેટ ફોરવર્ડ’ વ્યક્તિ અને 'ડાયનામિક’ CM: યેદ્દીયુરપ્પા

  - જોશીનું રાજીનામું, મોદી કારોબારીમાં પહોંચ્યા

  - ભાજપની રાષ્ટ્રીય કારોબારીના પ્રથમ દિવસે મોદીનો મુદ્દો છવાયેલો રહ્યો: ગડકરીએ 'નાનો વિવાદ’ પૂરો થયાની જાહેરાત કરી


  - નીતિન ગડકરીને બીજી મુદત માટે ભાજપના પ્રમુખ બનાવવાનો માર્ગ મોકળો

  ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મુંબઈમાં મળેલી ભાજપ રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં છેવટે પહોંચી ગયા છે. તેઓ પક્ષના નેતા સંજય જોશીએ કારોબારીમાંથી રાજીનામું આપ્યા બાદ ગુરુવારે બપોરે મુંબઈ પહોંચ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મોદી અને જોશી એક-બીજાના કટ્ટર વિરોધી છે. જોશીને ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરીએ પક્ષમાં ફરી સામેલ કર્યા હતા. તેઓ રાષ્ટ્રીય કારોબારીના આમંત્રિત સભ્ય હતા.


  તેમણે બુધવારે રાતે રાજીનામું આપી દીધું હતું. અન્ય એક ઘટનામાં નીતિન ગડકરીને બીજી મુદત માટે ભાજપના પ્રમુખ બનાવવા રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં પક્ષના બંધારણમાં સુધારો પસાર કરવામાં આવ્યો હતો.

  સાથે મળીને કામ કરીશું : ગડકરી

  આ ઘટનાક્રમ પછી ગડકરીએ ગુરુવારે જણાવ્યું હતું કે એક નાનો વિવાદ પૂરો થઈ ગયો છે. તે અને મોદી હવે પક્ષના સંગઠનને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરશે. ગડકરીએ સંજય જોશીના પણ વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જોશીએ વિવાદ પૂરો કરવા માટે કારોબારીમાંથી રાજીનામું આપી દઈને મોટી ઉદારતા દાખવી છે. જોશીએ તેમના પત્રમાં જણાવ્યું હતું કે તે પક્ષના હિ‌તમાં રાજીનામું આપી દેશે. મોદી ઉદયપુરથી મુંબઈ પહોંચ્યા છે. જોશીના રાજીનામા બાદ મોદીએ જણાવ્યું હતું કે તેઓ મુંબઈ જશે.

  બેઠક શરૂ : મુંબઈમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બે દિવસીય બેઠક ગુરુવારે શરૂ થઈ ગઈ છે. જેમાં પક્ષના બંધારણમાં સુધારાનો પ્રસ્તાવ પસાર થઈ ગયો છે. આ સુધારાના કારણે ગડકરી બીજી મુદ્દત માટે પક્ષપ્રમુખ બની શકશે. રાષ્ટ્રીય કારોબારીની બેઠક ગુજરાત અને હિ‌માચલ પ્રદેશમાં ચાલુ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં થઈ રહી છે. આ બન્ને રાજ્યમાં હાલમાં ભાજપની સરકાર છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય કારોબારી એ પક્ષના મહત્ત્વના નિર્ણય કરનારી ટોચની સંસ્થા છે. ગડકરીએ અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતાં જણાવ્યું હતું કે ભાજપના મતમાં ૧૦ ટકાનો વધારો થશે. ઉપરાંત પક્ષે આગામી સામાન્ય ચૂંટણીની તૈયારી શરૂ કરી દેવી જોઈએ.

  ReplyDelete
 3. દરમિયાન ભાજપના બંધારણમાં સુધારો કરીને પક્ષના પ્રમુખપદે બીજી ટર્મની જોગવાઈ કરતો ઠરાવ પક્ષની રાષ્ટ્રીય કારોબારીની બેઠક દરમિયાન મોડી સાંજે પસાર કરાતાં નીતિન ગડકરી માટે વધુ ત્રણ વર્ષ પક્ષ પ્રમુખપદે રહેવાનો માર્ગ મોકળો થયો હતો. આથી લોકસભાની આગામી ચૂંટણી ભાજપ ગડકરીના નેતૃત્ત્વમાં લડનાર હોવાનું નિ‌શ્ચિ‌ત બન્યું હતું.

  કેન્દ્રમાં યુપીએ સરકારના દિવસો ગણાઈ રહ્યા હોવાની આગાહી કરતાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન ગડકરીએ ગુરુવારે એનડીએનો વ્યાપ વધારવા માટે વધુ પ્રાદેશિક પક્ષોને સાતે લેવાની તૈયારી જાહેર કરી હતી. એ સાથે જ પોતાનું ઘર વ્યવસ્થિત રાખવાની તૈયારી રૂપે પક્ષ સંગઠનમાં એકતા અને શિસ્ત જાળવવાની અપીલ કરી હતી. ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં એક તરફ શિસ્ત-એકતાની અપીલ અને બીજી તરફ પક્ષની શ્રેષ્ઠતાઓના વર્ણન બન્ને રીતે નરેન્દ્ર મોદી છવાયેલા રહ્યા હતા.

  સીડી કાંડ પછી સંજય જોશીને છ વર્ષ બાદ પક્ષમાં પાછા લેવાયા હતા

  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું સમર્થન ધરાવતા સંજય જોશી ભાજપના મહાસચિવ રહી ચૂક્યા છે. વર્ષ ૨૦૦પમાં એક કથિત સેક્સ સીડી બહાર આવતાં તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દેવું પડયું હતું. તે પછી છ વર્ષ બાદ ગડકરી તેમને પક્ષમાં પાછા લાવ્યા હતા. આથી મોદી નારાજ હતા. આથી મોદીએ ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં પક્ષ માટે પ્રચાર જ નહોતો કર્યો. પહેલાં એવા અહેવાલ રજૂ થયા હતા કે મોદી રાષ્ટ્રીય કારોબારીમાં નહિ‌ જાય, પણ જોશીના રાજીનામા બાદ તેઓ બેઠકમાં હાજર રહ્યા હતા.

  ગડકરી કેમ ઝૂકયા

  કારોબારીની બેઠકની પૂર્વ સંધ્યાએ ગડકરીને મોદીના રાજીનામાની ધમકી મળ્યા બાદ પોતાના પક્ષની રાજ્ય સરકારના મુખ્યમંત્રી રાજીનામું આપે તે કોઈપણ પક્ષના રાષ્ટ્રિય પ્રમુખને સ્વીકાર્ય ન હોઈ શકે એટલે ગડકરી દ્વારા તેમના અન્ય સાથીઓ સાથે મંથન કર્યા બાદ સંજય જોશીને કારોબારીના સભ્ય પદેથી રાજીનામું આપવાનું કહેવાયું હતું.

  ડ્રામા શું હતો

  મોદી અને જોશી વચ્ચેની રાજકીય લડાઈ હવે એટલી હદે વણસી છે કે, મોદી તેમના એક સમયના મિત્ર જોશીને બિલકુલ પસંદ કરતાં નથી. કેશુભાઈ પટેલના મોદી સરકાર વિરોધી ઉચ્ચારણો માટે પણ સંજય જોશીના દોરી સંચારને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. આથી મોદીએ ભાજપ કારોબારીમાંથી જોશીને દૂર કરવા માટેની જીદ પકડીને તેમના સાથી પરષોત્તમ રૂપાલાને પોતાના દૂત બનાવીને પક્ષના પ્રમુખ ગડકરી પાસે મોકલ્યા હતા અને રૂપાલાએ ગડકરીને મળીને મોદીના રાજીનામાની ધમકીનો પત્ર સુપરત કર્યો હોવાનું કહેવાય છે.

  હવે પછી શું થઈ શકે ?

  પક્ષના પ્રમુખે મોદીને સ્ટ્રોંગમેન તરીકે સ્વીકારી લીધા છે.ભાજપ માને છે કે લોકસભાની ચૂંટણીઓ વહેલી યોજાય તેવી શક્યતા છે અને તેની પૂર્વ તૈયારીઓ પક્ષે આરંભી દીધી છે.જ્યારે બીજીબાજુ મોદી પોતે ભાજપના ભાવિ વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ થવાની મહેચ્છા ધરાવતાં હોવાની વાત છૂપી રહી નથી એટલે જોશી રાજીનામા પ્રકરણ બાદ મોદીની મહેચ્છા પણ સ્વીકારી લેવાશે એમ મનાય છે.

  ReplyDelete

કોમેન્ટ લખવા બદલ આભાર