welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Friday 4 October 2013

ગુજરાતી નેટજગતનું ગૌરવ :

‘વેબ ગુર્જરી’ અને ‘ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટન’ના સંયુકત ઉપક્રમે શ્રી વિશાલ મોણપરાનાં સન્માનનો અહેવાલ - ગુજરાતી નેટજગતનું ગૌરવ



[શ્રી વિશાલ મોણપરાનું સન્માન કરવાની ઘોષણા વેગુ પર "વિશાલ મોણપરા: ગુજરાતી નેટજગતનું ગૌરવ" શીર્ષકથી કરવામાં આવી હતી. એમાં ઉલ્લેખ કર્યા મુજબ,  હ્યુસ્ટનના શ્રી નવીનભાઈ બેંકરે, તેમની સિદ્ધહસ્ત કલમે લખેલો સન્માન કાર્યક્રમનો અહેવાલ અત્રે રજૂ કરીએ છીએ. -વેગુ સંપાદકો]


૨૨મી સપ્ટેમ્બર, 2013 ને રવિવારે બપોરે બે વાગ્યે ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૩૭મી બેઠક, સંસ્થાના ઘેઘુર વડલા જેવા ધીરુભાઇ શાહના નિવાસસ્થાને મળી હતી. આ વખતની બેઠક એક વિશિષ્ટ ગણી શકાય તેવી હતી.


ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૩૭મી બેઠક


ગુજરાતી ભાષા માટે પ્રમુખપેડના સર્જક અને ભારતની લગભગ બધી જ ભાષાઓની લિપિને કન્વર્ટરની મદદથી બદલવા/ લખવા માટેની નિઃશુલ્ક સુવિધા સૌ માટે ઉપલબ્ધ કરાવી આપનાર એવા યુવાન કવિ શ્રી વિશાલ મોણપરાને  ’ વેબગુર્જરી’ અને ‘ગુજરાતીસાહિત્યસરિતા, હ્યુસ્ટન’ના સંયુકત ઉપક્રમે સન્માનવાનો આ અવસર હતો. સાથે સાથે તેમના પ્રથમ કાવ્ય સંગ્રહ ‘દિલથી દિલ સુધી’નું વિમોચન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એટલું જ નહીં,  સમગ્ર કાર્યક્રમ દરમિયાન, પ્રથમ વખત,  ‘ગુગલહેન્ગઆઉટ’ની મદદથી, અન્ય શહેરો અને છેક ભારતના કવિઓ-લેખકો પણ આનો લાભ લઈ શક્યા હતા.




શરુઆતમાં, સંસ્થાના કોઓર્ડીનેટર  શ્રીમતી પ્રવિણાબેન કડકિયાએ સૌને આવકાર આપ્યો હતો. પ્રકાશ મજમુદાર અને ભારતીબહેન મજમુદારે મધુર કંઠે પ્રાર્થના ગાઈને શુભારંભ કર્યો. યજમાન દંપતી દિનેશભાઈ અને હેમંતિબહેન શાહે આવનાર સૌ મહેમાનોને આવકાર્યા પછી કાર્યક્રમનો પ્રથમ દૌર સ્થાનિક કવિઓ અને લેખકોની કૃતિઓ રજૂ કરવાનો શરૂ થયો. સંસ્થા તરફથી આપવામાં આવેલા વિષય ‘ મજદૂર’ અને ‘પાનખર’ પર સર્જકોએ પોતાની કૃતિઓ રજૂ કરી  હતી. ભાગ લેનાર સર્જકો હતા – સર્વશ્રી ધીરુભાઇ શાહ,  ચીમન પટેલ, ગિરીશ દેસાઈ, પ્રવિણા કડકિયા, અશોક પટેલ,વિજય શાહ, દેવિકા ધ્રુવ, શૈલા મુન્શા, ડૉક્ટર ઇન્દુબહેન શાહ, પ્રદીપ બ્રહ્મભટ્ટ , પ્રશાંત મુન્શા, સતિષ પરીખ, હેમંત ગજરાવાલા, વિનોદ પટેલ, ધવલ મહેતા, વગેરે…શ્રી નુરુદ્દીન દરેડિયાએ કબીરના દોહા રજૂ કર્યા હતા, શ્રી. વિજય શાહે પોતાની હવે પછી નામાંકિત મેગેઝીનમાં પ્રસિદ્ધ થનાર વાર્તા ‘અઘોરીના ચીપિયા’ વાંચી સંભળાવી હતી. નીતિન વ્યાસે, એક વિશિષ્ટ વ્યક્તિ નરહરી ગુલાબભાઈ ભટ્ટ વિષે કેટલીક અજાણી વાતો રજૂ કરી હતી. રસેશ દલાલે ખલિલ ધનતેજવીનું એક કાવ્ય સરસ રીતે વાંચી સંભળાવ્યું હતું. સુરેશ બક્ષીએ ચીનુ મોદી, સ્વ. શ્રી સુરેશ દલાલ, સ્વ. શ્રી હરીન્દ્ર દવે, અને ઉર્વીશ વસાવડાનાં કાવ્યોની જાણીતી પંક્તિઓની પેરોડી રજૂ કરીને શ્રોતાઓને સારું એવું મનોરંજન પૂરું પાડ્યું હતું. દેવિકા ધ્રુવે, પોતાની તાજેતરની અમદાવાદની મુલાકાત ટાણે, સાહિત્ય પરિષદની બુધસભામાં  પોતે રજૂ કરેલ, ‘પૃથ્વી વતન કહેવાય છે’ કાવ્ય રજૂ કર્યું હતુ.


બેઠકના બીજા દૌરમાં,  શ્રી વિજય શાહે, વિશાલ મોણપરાની સિદ્ધિઓને બિરદાવી અને બોચાસણવાસી સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી નિલકંઠભાઈને,  વિશાલને આશીર્વચન આપવા વિનંતિ કરી.  શ્રી  નિલકંઠભાઈએ,  વિશાલની BAPS  પ્રત્યેની લગની અને સંસ્થા માટે તેમણે આપેલી સેવાઓને બિરદાવી, હાર પહેરાવી,  સંતોના આશીર્વચનો સંભળાવ્યાં.


૯૨ વર્ષની વયના વડીલ શ્રી ધીરુકાકાના તથા નાસાના વૈજ્ઞાનિક અને કવિ એવા શ્રી કમલેશ લુલાના શુભહસ્તે, વિશાલના કાવ્યસંગ્રહ ‘દિલથી દિલ સુધી’નું વિમોચન કરવામાં આવ્યું હતું.


Bethak 137 (4) Vishal & Dhirukaka


શ્રી વિશાલ મોણપરાએ આ અંગે અતિ નમ્રતાપૂર્વક સૌનો  આભાર માન્યો હતો અને પોતાના કાવ્યસંગ્રહની એક ઝલક વાંચી સંભળાવી હતી.


‘છે ડૂબવાની મઝા મઝધારે, સાહિલ કોને જોઈએ છે?

ફના થઈ જવું છે કેડી પર, મંઝિલ કોને જોઈએ છે?

શું સાથે લાવ્યા હતા, શું સાથે લઈ જવાના?

બે ગજ બસ છે, બ્રહ્માંડ અખિલ કોને જોઇએ છે?


ત્યાર બાદ સંસ્થાના પ્રમુખશ્રીએ, વિશાલનું સન્માન-પત્ર વાંચવા માટે  દેવિકા ધ્રુવને  આમંત્રણ આપ્યું અને તેમણે વિશાલની સિદ્ધિ અને બહુમાન દર્શાવતો પત્ર અક્ષરશઃ સૌને સુંદર રીતે વાંચી સંભળાવ્યો.-


Bethak 137 (2) Vishal & Devikaben


‘વેબગુર્જરી’ના શ્રી જુગલકિશોર વ્યાસના સંદેશનો સારાંશ સાહિત્યસરિતાના પ્રમુખશ્રી વિશ્વદીપભાઈએ વાંચી સંભળાવ્યો હતો.


Bethak 137- (1) Vishal Monpara


અને પછી તેમણે વેબગુર્જરી અને ગુજરાતી સાહિત્ય સરિતા,  હ્યુસ્ટનના ઉપક્રમે, પ્રમુખપેડના સર્જક, ગુજરાતી લેખનની સરળતા ને સક્ષમતામાટે મથનાર કવિ શ્રી વિશાલ મોણપરાને, આકર્ષક ઘેરા કથ્થાઈ રંગમાં મઢાયેલું વિશાળ સન્માનપત્ર અર્પણ કર્યું હતું જેને હાજર રહેલા સૌ સાહિત્ય રસિકોએ ગૌરવભેર અને આનંદસભર તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું.


Bethak 137 (3) Vishal & Vishvadeep


આખીયે બેઠકમાં ધન્યતા અને હ્યુસ્ટન નિશાનની એક અજબની લ્હેરખી હતી..


ગુગલહેંગઆઉટ ઉપર ઉપસ્થિત સર્જકો શ્રીમતી નીલમબહેન દોશી ( વિજયવાડા),  રેખાબેન સિંધલ( ટેનેસી), ડૉક્ટર મહેશ રાવલ અને પ્રેમલતા મજમુદાર(કેલીફોર્નિયા), શ્રીમતી સપના વિજાપુરા (શીકાગો), સરયુબહેન પરીખ ( ઓસ્ટીન). નીતાબેન કોટેચા (મુંબઇ) વગેરેએ પણ વિશાલને અભિનંદન આપ્યા હતા અને પોતાની એક એક કૃતિ સંભળાવી હતી. ગુગલહેંગઆઉટ પર, હ્યુસ્ટનમાં બેઠાબેઠા,  છેક ભારત અને અન્ય શહેરોના સર્જકો સાથે વાર્તાલાપ કરવાનો અને તેમને દૃષ્ય અને શ્રાવ્ય માધ્યમ દ્વારા મળવાનો આ આનંદ અનેરો અને અવર્ણનીય હતો.


આ પ્રથમ પ્રયાસનું  શ્રેય પણ વિશાલ મોણપરાને અને તેમના સહાયક તરીકે,  સતત કાર્યરત શ્રી વિજય શાહ, પ્રવીણાબેન કડકિયા, વિશ્વદીપ બારડ અને દેવિકાબેન ધ્રુવને ફાળે જાય છે.


અંતમાં, સાહિત્ય સરિતાના પ્રમુખશ્રી, સંચાલક, સહ-સંચાલક વગેરેએ, પ્રસંગોચિત આભાર વિધિ કરી હતી અને સૌ,  ધીરુકાકા,  દિનેશભાઇ અનેહેમંતિબહેનના દહીંવડા, રગડાપેટીસ, ભેળપુરી અને કુલ્ફીની જ્યાફત માણીને, આ ખુશનુમા સાંજે,ગૌરવભરી અનુભૂતિ સાથે છૂટા પડ્યાં હતાં.


– (શબ્દાંકન અને તસ્વીરો : શ્રી નવીન બેન્કર)


1 comment:

  1. આજે સવારે વીડીયો જોયો....સરસ કાર્યક્રમ થયો હતો....બહુ સમયની ઈચ્છા હતી કામ થયું.....સૌને અભીનંદન. – જુ.

    ReplyDelete

કોમેન્ટ લખવા બદલ આભાર